niruddeshe - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

નિરુદ્દેશે

niruddeshe

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
નિરુદ્દેશે
રાજેન્દ્ર શાહ

નિરુદ્દેશે

સંસારે મુજ મુગ્ધ ભ્રમણ

પાંશુ-મલિન વેશે.....

ક્યારેક મને આલિંગે છે

કુસુમ કેરી ગંધ,

ક્યારેક મને સાદ કરે છે

કોકિલ મધુર-કંઠ,

નેણ તો ઘેલાં થાય નિહાળી

નિખિલના સહુ રંગ,

મન મારું લઈ જાય ત્યાં જાવું

પ્રેમને સન્નિવેશે...

પંથ નહિ કોઈ લીધ, ભરું ડગ

ત્યાં રચું મુજ કેડી,

તેજ છાયા તણે લોક, પ્રસન્ન–

–વીણા પર પૂરવી છેડી,

એક આનંદના સાગરને જલ

જાય સરી મુજ બેડી,

હું રહું વિલસી સહુ સંગ ને

હું રહું અવશેષે....

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 160)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004