નિરભિમાન
nirbhimaan
હરિહર ભટ્ટ
Harihar Bhatt
ભલે મન વિવેકહીન તિમિરે સદા આથડે,
અને હૃદય કલ્પનારહિત કૂપમાંહી પડે
ભલે સકલ ઝિંદગાનિ રસરંગહીણી જતી,
પરન્તુ ન હિ નમ્રતારહિત ચિત્ત થાજો કદી.
ભલે સ્ખલન પૂર્વના સ્મરણથી સદાયે બળૂં,
પરન્તુ ન હિ તે ભુલી મદ-નઠોર થાવા ચહૂં
સદાય નિજ દોષ કાજ અનુતાપ વાળા પરે
વહે તુજ દયા, વિભો, ફિકર શી પછી છે મ્હને
દિનેશકર કોમળાં ધનુષ મેઘમાંહી રચે,
નિહાળિ શિશુ ભાઈ ભાંડુ નિજને બતા’વા ધસે:
ધરૂં વિવિધ વર્ણ એમ જગ આગળે સર્વ તે
કટાક્ષ કરુણા તણા તુજથી જે લસે અન્તરે.
પરન્તુ કદિ વર્ણ એ મુજ ગણૂં, ગણા’વા કરૂં,
અને હૃદયમાં પડેલ તુજ રશ્મિને વીસરું,
કરી પ્રખર તો, પ્રભો, કિરણ તાહરા તે સમે
સુકાવ વિખરાવ એ હૃદય મેઘને, વર્ણ-ને
સ્રોત
- પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (પૃષ્ઠ ક્રમાંક 67)
- સંપાદક : બલવંતરાય કલ્યાણરાય ઠાકોર
- પ્રકાશક : ગુજરાત વર્નાક્યુલર સોસાયટી
- વર્ષ : 1931