નીંદર-દરિયે
nindar-dariye
સુરેશ દલાલ
Suresh Dalal
સૂરજ નીંદર – દરિયે ડૂબ્યો!
શમણાંને સરવરિયે પાછો ચાંદ થઈને ઊગ્યો!
પંખીઓના ટહૌકા સૂતા વૃક્ષ – ડાળને માળે :
તારલિયાની કશી ગુફતગુ મૌનતણે અજવાળે.
દિન આખાનો ભાર બધો યે
મલયસમીરે
રાતરાણીની પાસે જઈને એક્કી શ્વાસે મૂક્યો!
લૂ દાઝ્યા લોચનિયે શીતળ સુગંધની શી છાલક :
સુખ-વ્યાકુલ અંતરને કનડે તોફાની આ ટાઢક.
લળી લળીને દિશા દિશાથી
રસવાદળીએ
વળી વળીને વીંટળાઈને ચાંદલિયાને ચૂમ્યો!
સ્રોત
- પુસ્તક : કાવ્યગુર્જરી (પૃષ્ઠ ક્રમાંક 80)
- પ્રકાશક : મધુસૂદન વૈદ્ય, આચાર્ય, મ. મા. પ્યુપિલ્સ ઓન સ્કૂલ
- વર્ષ : 1964