– nii ukti - Geet | RekhtaGujarati

– ની ઉક્તિ

– nii ukti

જગદીશ જોશી જગદીશ જોશી
– ની ઉક્તિ
જગદીશ જોશી

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ!

મને મનગમતી સાંજ એક આપો :

કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…

ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને

મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :

પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી

કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.

થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને

અર્જુનનો મત્સયવેધ આપો.

મને આપો એક સાંજ, મને આપો એક રાત

મને આપો એક એવો આશ્લેષ —

ફરફરવા લાગે આ સાત સાત જન્મોના

તાણીને બાંધેલા કેશ!

મારાથી સાવ મને અળગી કરીને નાથ,

કાયમની કેદ મને આપો!

સ્રોત

  • પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 213)
  • સર્જક : જગદીશ જોષી
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ
  • વર્ષ : 1998