નિગોપન
nigopan
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
રાજેન્દ્ર શાહ
Rajendra Shah
છલનાને વેષ છુપાઈ રે'ને ભલે :
આટલી ઝાઝી આડ; ત્યારે તો
ખેલવાનો રસ મળે.
ક્યાંય ન રે'વા દીધ પગેરું
વાયરે, એવી ભૂમિ :
ડગલું રોધી રાખતી ડાળી
ફૂલથી લૂમીઝૂમી.
અવશ અમૂંઝણને મારી
ન્યાળ તું પલે પલે.
આછેરે અણસાર હું ક્યારેક
સમીપ આવી પૂગું;
કોઈ ગુહા-અંધારમાં તારે
ભળવું મૂંગું મૂંગું;-
ઉછળતા ઉલ્લાસને ભીતર
વાળવો કળેબળે.
આપણી અધીરાઈને
ધરી ધીરજનો વેગ લાધે;
હૃદયનો ધબકાર તો
અલિંગનની ભણી વાધે :
અળગું-ઓરું રમતાં આખર
જુગતિ કોની ફળે?
સ્રોત
- પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 89)
- પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ
