ne tame yaad awyan - Geet | RekhtaGujarati

ને તમે યાદ આવ્યાં

ne tame yaad awyan

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
ને તમે યાદ આવ્યાં
હરીન્દ્ર દવે

પાન લીલું જોયું ને તમે યાદ આવ્યાં,

જાણે મોસમનો પહેલો વરસાદ ઝીલ્યો રામ,

એક તરણું કોળ્યું ને તમે યાદ આવ્યાં.

ક્યાંક પંખી ટહુકયું ને તમે યાદ આવ્યાં,

જાણે શ્રાવણના આભમાં ઉઘાડ થયો રામ,

એક તારો ટમક્યો ને રામ તમે યાદ આવ્યાં.

જરા ગાગર ઝલકી ને તમે યાદ આવ્યાં,

જાણે કાંઠા તોડે છે કોઈ મહેરામણ રામ,

સ્હેજ ચાંદની છલકી ને તમે યાદ આવ્યાં.

કોઈ ઠાલું મલકયું ને તમે યાદ આવ્યાં,

જાણે કાનુડાના મુખમાં વ્રેમાન્ડ દીઠું રામ,

કોઇ આંખે વળગ્યું ને તમે યાદ આવ્યાં.

કોઈ આંગણ અટકયું ને તમે યાદ આવ્યાં,

જાણે પગરવની દુનિયામાં શોર થયો રામ,

એક પગલું ઊપડયું ને તમે યાદ આવ્યાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 84)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983