Nayanamrut - Geet | RekhtaGujarati

વારી જાઉં નગીના નંદનારે, તારી મીટમાં મોહનવેલ;

વંદ્રાવની વાટમાં કરતો, ગોવાળીયાશું ગેળ. વારીo ટેક.

જળ જ્મુનાનાં હું ગઈરે, મારે માથે જળની હેલ;

ત્રાંસી આંખે નીરખી, મારૂં કાળજડું કોરેલ. વારીo

પ્રાણજીવનની પ્રીતડીરે, બેની જીવડલા શું જડેલ;

બુટા બીલોરી કાચનારે, નથી સાંભળ્યા છુટા પડેલ. વારીo

પ્રીતમ ધાગા પ્રીતનારે, ગળે નંદ કુંવર નાંખેલ;

તાણતાં તૂટી જાય છે, દિઠો મેં ખરાખરીનો ખેલ. વારીo

ધગતી’તી ત્રણ તાપથીરે, વ્યવસાય થકી વીંટેલ;

શાંત સુધા સમ થઈ રહીરે, નાથના નેણનો ખેલ. વારીo

આવજ્યો મારે આંગણેરે, કાંઈ છોગલાં મેલી છેલ;

લલ્લુ નેણાં લાલચુ મારાં, નાથ સાથે લાગેલ. વારીo

સ્રોત

  • પુસ્તક : કાવ્ય કુસુમાકર (ભાગ ૧) (પૃષ્ઠ ક્રમાંક 539)
  • સર્જક : ઓઝા લલ્લુભાઈ કાળીદાસ
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1906