nawalun nilambar - Geet | RekhtaGujarati

નવલું નીલાંબર

nawalun nilambar

ગની દહીંવાલા ગની દહીંવાલા
નવલું નીલાંબર
ગની દહીંવાલા

આ કોની મનોરમ દૃષ્ટિથી આકાશનું અંતર ભીંજાણું?

ધરતીએ જતનથી ઓઢેલું નવલું નીલાંબર ભીંજાણું?

આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?

ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?

છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?

નવલું નીલાંબર ભીંજાણું.

કાળી કાળી જલપરીઓની આંખોમાં વીજના ચમકારા,

ત્યાં દૂર ક્ષિતિજે દેખાતા આ કોની આંખના અણસારા?

શી હર્ષાની હેલી કે, ધરતીનું કલેવર ભીંજાણું?

નવલું નીલાંબર ભીંજાણું.

આ રસભીની એકલતામાં સાંનિધ્યનો સાચે સંભવ છે,

ફોરાંની મૃદુ પાયલ સાથે આ કોનો મંજુલ પગરવ છે?

આનંદના ઊઘડ્યા દરવાજા, રે મન! આખું ઘર ભીંજાણું,

નવલું નીલાંબર ભીંજાણું.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008