nanakDi narno melo - Geet | RekhtaGujarati

નાનકડી નારનો મેળો

nanakDi narno melo

વેણીભાઈ પુરોહિત વેણીભાઈ પુરોહિત
નાનકડી નારનો મેળો
વેણીભાઈ પુરોહિત

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,

તેજના ટશિયા ફૂટે રે લોલ:

ઘમ્મર વલોણે ગાજે ગોરસિયાં,

ખીલેથી વાછડાં છૂટે રે લોલo

હાલોને સહિયર! પાણીડાં જઈએ,

વીરડે વાતું કરશું રે લોલ:

વાટકે વાટકે ભરશું રે લોલo

આખાબોલું તે અલી અલ્લડ જોબનિયું,

હૈયે ફાગણિયો ફોરે રે લોલ:

ઘૂમટો તાણીને હાલો ઉતાવળી,

ઘરડા બેઠા છે ગામચોરે રે લોલo

હાલોને સહિયર! પાણીડાં જઈએ,

વીરડે વાતું કરશું રે લોલ:

વાટકે વાટકે ભરશું રે લોલo

નેણનાં નેવાંને ઊટકે આંજણિયાં,

હથેળી હેલને માંજે રે લોલઃ

ચકચકતી ચૂની ને ચકચકતું બેડલું,

એકાબીજાને ગાંજે રે લોલ.

હાલોને સહિયર! પાણીડાં જઇએ,

વીરડે વાતું કરશું રે લોલ:

વાટકે વાટકે ભરશું રે લોલo

સાસુએ માગ્યાં ઊનાં પાણી ને

સસરે દાતણ માંગ્યું રે લોલ:

કાચી નીંદરને કાંઠેથી સપનું

મુઠ્ઠી વાળીને ભાગ્યું રે લોલo

હાલોને સહિયર! પાણીડાં જઇએ,

વીરડે વાતું કરશું રે લોલઃ

વાટકે વાટકે ભરશું રે લોલo

હાલો પરોડિયે ખોલ્યાં છે પોપચાં,

તેજના ટશિયા ફૂટે રે લોલ:

મેળો જામ્યો છે અહીં નાનકડી નારનો,

આપણી વાતું નો ખૂટે રે લોલo

હાલોને સહિયર! પાણીડાં જઈએ,

વીરડે વાતું કરશું રે લેલ:

વાટકે વાટકે ભરશું રે લોલo

સ્રોત

  • પુસ્તક : સિંજારવ (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સર્જક : વેણીભાઈ પુરોહિત
  • પ્રકાશક : એન. એમ. ત્રિપાઠી લિ.
  • વર્ષ : 1955