najarun - Geet | RekhtaGujarati

સંતજી, મધરાતે મોરલો ગહેક્યો

ને વાદળી એક્કે નહિ રે લોલ!

સંતજી, ભાન ભૂલી કોયલ ટહૂકી

ને આંબલો મહોર્યો નહિ રે લોલ!

સંતજી, હરણાએ દોટ ભલી દીધી

ને સરવર ક્યાંયે ન'તાં રે લોલ!

સંતજી, રણઝણ રણઝણ વીણા

ને સૂર કોઈ જાગ્યા નહિ રે લોલ!

સંતજી, નમણાં કમળપાન ખીલ્યાં

ને ઝાકળનાં બિન્દુ નહિ રે લોલ!

સંતજી, અધરાતે પોપચાં ખૂલ્યાં

ને વીજળી ઝબકી નહિ રે લોલ!

સંતજી, નજરુંની એવી શી લીલા

કે સઢ સૌ ફરકી ઊઠ્યા રે લોલ!

સ્રોત

  • પુસ્તક : કિમપિ (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સર્જક : અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ.
  • પ્રકાશક : આર. આર. શેઠ
  • વર્ષ : 1983