gaandhiido maaro - Geet | RekhtaGujarati

ગાંધીડો મારો

gaandhiido maaro

દુલા ભાયા કાગ દુલા ભાયા કાગ
ગાંધીડો મારો
દુલા ભાયા કાગ

સો સો વાતુંનો જાણનારો

મોભીડો મારો ઝાઝી વાતુંનો ઝીલનારો. ટેક

ડગલે ડગલે હાલ્યા કરે છે, ઊંચાણમાં ઊભનારો;

એ... ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે,

(ઈ તો) ઢાળમાં નવ ધ્રોડનારો. મોભીડો૦

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો, મેલાં ઘેલાંને માનનારો;

એ... ઉપર ઊજળાં ને મનનાં મેલાં એવાં,

ધોળાને નહિ ધીરનારો. મોભીડો0

એનાં કાંતેલામાં ફોદો ઊમટે, તાર સદા એકતારો;

એ... દેયેં દૂબળિયો (પણ) ગેબી ગામડિયો,

મુત્સદ્દીને મૂંઝવનારો. મોભીડો0

પગલાં માંડશે એવે મારગડે, (એની) આડો કોઈ આવનારો

એ... ઝેરના ઘૂંટડા જીરવી જાશે તો,

બોલીને નૈ બગાડનારો. મોભીડો0

નાનાં બાળક જેવો હૈયે લેરીલો, એરૂમાં આથડનારો;

ઈ... કૂણો માખણ જેવો સાદો ને સાયલો,

કાળને નોતરનારો. મોભીડો0

ઝીણી ઝૂંપડીએ, ઝીણી આંખડીએ, ઝીણી નજરથી જોનારો;

એ... પોતે ચણેલામાં પોલ ભાળે તો તો,

પાયામાંથી પાડનારો. મોભીડો0

આવવું હોય તો કાચે તાંતણે, બંધાઈને આવનારો;

એ... ના’વવું હોય અને નાડે જો બાંધશો તો,

નાડાં તોડાવી નાસનારો. મોભીડો0

રૂડા રૂપાળા (આખા) થાળ ભરીને, પીરસે પીરસનારો;

એ... અજીરણ થાય એવો આ’ર કરે નૈ કદી,

જરે એટલું જમનારો. મોભીડો0

આભે ખૂતેલી મેડી ઊજળિયુંમાં, એક ઘડી ઊભનારો;

એ... અન્નનાં ધીંગાણાની જૂની ઝૂપડિયુંમાં,

વણ તેડાવ્યો જોનારો. મોભીડો0

સૌને માથડે દુઃખ(ડાં) પડે છે, દુઃખડાંને ડરાવનારો;

એ... દુઃખને માથે પડ્યો દુઃખ દબાવીને તો,

સોડ તાણીને સૂનારો. મોભીડો0

કાળ જેવાને મહાકાળ લાગે છે, આભને બાથ ભીડનારો;

સૂરજ આંટા ફરે એવડો ડુંગરો,

(ઇ) ડુંગરાને ડોલાવનારો. મોભીડો0

ઓળખજે બેનડી એંધાણીએ,

મારા ખોળાનો ખૂંદનારો;

મારો મોહનજી ઝાઝેરું જીવો મારા,

ઘડપણનો પાળનારો. મોભીડો0

સ્રોત

  • પુસ્તક : ગાંધી ગુજરાતી કવિતામાં (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : રાજેન્દ્ર શુક્લ
  • પ્રકાશક : ગૂર્જર સાહિત્ય ભવન
  • વર્ષ : 2019