Naholiya ne - Geet | RekhtaGujarati

નાહોલિયાને

Naholiya ne

નર્મદ નર્મદ
નાહોલિયાને
નર્મદ

(રાસડો)

સાથે તૂં લે વ્હાલીડા સાથે તૂં લે મને;

નહીં તો આ જીવડો જાય રે નાહોલીયા.

ચોરણો કડલગ વ્હાલીડા માથે તો ફાળિયૂં;

દીલે કડીયૂં ને પગે જોડા નાહોલીયા.

ધાભળો ઓઢ્યો વ્હાલીડા સૂંઆળો ધાભળો;

ધાભળો ઓઢીને આવૂં સાથ રે નાહોલીયા.

કૂવાડી તેં વ્હાલીડા લાંબા હાથાનિ ખભે;

રાખી બહુ કાપવા ડાળાં નાહોલિયા.

પાવાને બોખ વ્હાલીડા ડોહવાને હાંડલૂં;

ખભે ટંગાવ્યાં ભલાં દીપતાં નાહોલીયા.

લો ચકમક વ્હાલીડા ગૂંજામાં બીલડાં;

સામેરનું રૂ તમાકુ ફુંકવા નાહોલીયા.

ચીપીઆ સોયા વ્હાલીડા કાંટાને કાઢવા;

પીળા ડોળાના કાળા રંગના નાહોલીયા.

લીધી તેં ડાંગ વ્હાલીડા લીધી કરડાંગ જે;

કરતી ખડંગ કહૂં ચાલતાં નાહોલીયા.

છેડલે બાંધ્યા વ્હાલીડા ડુંગળી ને રોટલા;

ચ૫ટીઓ ભાંગ્યની સૂંઘે નાહોલીયા.

બચ્ચાં ખભે વ્હાલીડા વ્યાણલ નવાં તે વળી;

ચાલે આગળ સહૂ ટોળૂં નાહોલીયા.

સંધાઓને વ્હાલીડા સાથે તૂં રાખતો,

વાંકો કર્યા શા મને ના લે નાહોલીયા.

ડુંગરા પર તૂં વ્હાલીડા ઘરમાં હૂં એકલી;

બેએને જૂદાં રેવૂં એ ખોટૂં નાહોલીયા.

મેહૂલો વરસે વ્હાલીડા ગાજે ને ગડગડે;

વીજળી ચોપાસ ભે લાગે નાહોલીયા.

એકલો જારે વ્હાલીડા દુઃખી તૂં થાય ને;

ઊંચા રેહ આપણા જીવડા નાહોલીયા.

ઘોલકી રૂડી વ્હાલીડા ડાંગો ધાભળાથિ કરી;

માંહ રમીશૂં ઉંફે રંગમાં નાહોલીયા.

હમણાં તો નથ વ્હાલીડા છોરૂ કો આપણે;

છોરૂ થયેથી રે ઘરમાં નાહોલીયા.

અબળાની હાંસ વ્હાલીડા પૂરી તૂં પાડની;

ફરી ચોમાસું આવૂં નાવે નાહોલીયા.

ઘણીએ ઝોક વ્હાલીડા ગામોને ગોંદરે;

દીઠી પણ ડુંગરા ન દીઠા નાહોલીયા.

જોવૂં રૂડું વ્હાલીડા રુંડૂં તુજ બોલવૂં;

ભમવૂં રૂડું ને રુંડૂ ખાવૂં નાહોલીયા.

હાંકવૂં રૂડું વ્હાલીડા રૂડૂં તે કાપવૂં;

રૂડૂં દોવૂં ને રૂડૂં પાવૂં નાહોલીયા.

રાનો રૂડાં વ્હાલીડા રૂડા તે ડુંગરા;

કે દી હું દેખૂં પછી કેહની નાહોલીયા.

પાણી બહુ વેહ વ્હાલીડા માટી ધોવાય રે;

લીલા ચારા ને ચરે બકરાં નાહોલીયા.

સાથે ખાવા વ્હાલીડા બેસીને રોટલા;

વચ્ચે તે દૂધ દોહી પીવાં નાહોલીયા.

લાગૂં તુજ પાય વ્હાલીડા લાગૂં તુજ પાય રે;

રાખો ચોમાસે મને સાથ રે નાહોલીયા.

નરમદલ્લમાં વ્હાલિડા આવે જો આંકડી;

સાથે લે રાંકડી છે, આખડી નાહોલીયા.

સ્રોત

  • પુસ્તક : નર્મદની કવિતા (પૃષ્ઠ ક્રમાંક 169)
  • સંપાદક : રમેશ મ. શુક્લ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન, અમદાવાદ
  • વર્ષ : 2015
  • આવૃત્તિ : ત્રીજી આવૃત્તિ