nahi rokun - Geet | RekhtaGujarati

નહિ રોકું

nahi rokun

રાજેન્દ્ર શાહ રાજેન્દ્ર શાહ
નહિ રોકું
રાજેન્દ્ર શાહ

વેદનાનું વરદાન દઈ ભલે જાય, પિયા! નહિ રોકું,

સાજ સજી ઊભી સાંઢણી, રે ભાંગ્યા વેણથીયે નહિ ટોકું.

કોઈ ઊણપ લાગતી, ઘર ભર્યું ભર્યું એક તુંથી;

સરવ સુખની ફોરમનો રહું ગરવે ગજરો ગૂંથી.

બરખાની ઋતુ ઊતરી; વ્હેણ ન, રેત કોરી અવલોકું.

વેદનાનું વરદાન દઈ ભલે જાય, પિયા! નહિ રોકું.

ઊઘડયા હોઠ અબોલ રહે એવાં બારણાંયે અધખૂલ્યાં;

એક તે આવી જાય સદાયનું, જાગવું એમ, ઝોકું.

વેદનાનું વરદાન દઈ ભલે જાય, પિયા! નહિ રોકું.

હરતી ફરતી જોઉં હવા નહિ, હાવ ગતાગમ ભૂલ્યાં;

દૂરનું સકલ આંબતું એકલ ડળકે હૃદય ઊનું;

અગનપાંખથી ઊડતું રે ચિર સંગમાં અસીમ સૂનું;

આખરી વેળની ધડક ઝીલતું છાતીએ ઢળેલ ડોકું.

વેદનાનું વરદાન દઈ ભલે જાય, પિયા! નહિ રોકું.

સ્રોત

  • પુસ્તક : કાવ્ય-કોડિયાં – રાજેન્દ્ર શાહનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 62)
  • પ્રકાશક : લોકમિલાપ ટ્રસ્ટ