નહિ બોલું
nahi bolu
શ્રીકાન્ત માહુલીકર
Shrikant Mahulikar
નટવર, નહિ બોલું
ઉર ગોપન અરમાન, ભીડેલાં
અધર-દ્વાર નહિ ખોલું.
જમુનાજલમાં સહિયર સાથે
નખશિખ ના રહી કોરી,
નટખટ, નફ્ફટ થૈ લજ્જાના
ચીર ગયો તું ચોરી,
જતન કરી સંગોપ્યું ઉરનું
રતન ચોર્યુ અણમોલું. નટવર૦
આજ સુધી મધુરાં મહી દીઘાં,
દીધાં ઉરનાં હેત,
વ્રજબાલા હું શું જાણું તું
આવો કરશે વેત?
મુરલીનાદે છો મન ડોલે.
મારું, હું નહિ ડોલું. નટવર૦
સ્રોત
- પુસ્તક : મુખર મૌનનો લય (પૃષ્ઠ ક્રમાંક 16)
- સર્જક : શ્રીકાન્ત માહુલીકર
- પ્રકાશક : કાવ્યગોષ્ઠિ પ્રકાશન
- વર્ષ : 1975