નગરના મોચીનું ગીત
nagarna mochinu geet
પ્રતાપસિંહ ડાભી 'હાકલ'
Pratapsinh Dabhi 'Hakal'
એ જ દેરી ને જગા એ જ પણ, ફરક ઘણો દેખાતો
ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો
ડમ્પરીયું લઈને કંત્રાટી, કાલ મારતો આંટા
સાહેબ મુનસીપાલીટીનો ૨મતો આટાપાટા
નકકી એ બે શેતાનોએ, તોડયો અહીંનો નાતો
ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો
વરસોની જે હતી ગરાગી, એને વાગ્યું તાળું
હવે કઈ પોલિશે ચમકે ?જીવતર આ ભમરાળું
અને કયા સોયે સંધાશે, છેદ છાતીએ થાતો
ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો
દાપાં જેના દેવા બાકી, નામ બધાં ગણગણતો
રળી પેટિયું જે દેતી, એ પેટીનો ના પત્તો
થડીયા ઉપર છબિ જડી એ ઈશ્વર ઠોકર ખાતો
ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો
વડવાગોળો, સમડી-સુડા, કાગ હશે કઈ ગલીએ?
વખ લેવાના ફદિયા કયાં છે? સીધો પ્હોંચું નદીએ
નિરધનીયા આ ધનજીનો તો મારગ ત્યાં ફંટાતો
ધરી નેજવા આંખે જોઉં, વડલો ના વરતાતો
સ્રોત
- પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ