પાર્વતી
parvati
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru

જોગણનાં તપ ટાળો –
નીલોત્પલ લોચન દલ ખોલો, કોમળ કાય નિહાળો
જોગી! જોગણનાં તપ ટાળો...
દર્પણ તોડી, વળગણ તોડી, સગપણ તોડી દોડી!
કાચી વયના મત્ત પ્રણયમાં બચપણ છોડી દોડી!
ગ્રીષ્મ તપી છું કરી તાપણી! આગ વિરહની ખાળો
જોગી! જોગણનાં તપ ટાળો...
નદિયું માપી, પર્વત કાપી, ખીણ ફલાંગી આવી!
આરત ખાતર, ગાળી ગાતર, ભાગી ભાગી આવી!
ચોમાસે ચાચર સળગી છું હવે વધુ ના બાળો!
જોગી! જોગણનાં તપ ટાળો...
છો ઉત્તમ વર, અવર બધા પર, તાપસ વેશ ઉતારો!
તપને ત્યાગો, આંખ ઉઘાડો, જોગણને સત્કારો!
વસંત લ્હેકે, ઉપવન મ્હેકે , લચી ફૂલથી ડાળો!
જોગી! જોગણનાં તપ ટાળો...
નીલોત્પલ લોચન દલ ખોલો કોમળ કાય નિહાળો
જોગી! જોગણનાં તપ ટાળો...



સ્રોત
- પુસ્તક : જાળિયે અજવાળિયું (પૃષ્ઠ ક્રમાંક 27)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ-મંગલ પ્રકાશન, ભાવનગર
- વર્ષ : 2018