ichchhamti nadi - Geet | RekhtaGujarati

ઇચ્છામતી નદી

ichchhamti nadi

ઝવેરચંદ મેઘાણી ઝવેરચંદ મેઘાણી
ઇચ્છામતી નદી
ઝવેરચંદ મેઘાણી

મનનું ધાર્યું હોત થવાનું

તો હું જલદી થાત નદી;

ફૈબા! તમને કહી રાખત કે

નામ પાડજો ઇચ્છામતી.

જમણે કાંઠે સૂરજ ઊગે

ડાબે ઘનઅંધારી રાત

બન્ને જોડે બેનપણાં ને

કહ્યા કરત હું મનની વાત;

અરધી વાતો દિવસે થાત

ને બાકી રાતે અરધી -

જો હું નાની થાત નદી.

રમતી ભમતી ગામ-સીમાડે

ગરબા-ગીતો ગાતી જાત,

આઘાં ને ઓરેરાં ખેતર

પાણીડે હું પાતી જાત.

સમશાને પણ થાતી જાત,

દાદાજીની પાસ કદી-

જો હું નાની હોત નદી.

ગામજનોને એકે એકે

ઓળખતી હત નામ દઈ,

ના'વા ધોવા આવે ને વળી

પાવા આવે ઢોર લઈ,

‘પો! પો! ત્રો! ત્રો!’ સાંભળતી-

લેર પડત જો હોત નદી.

પરદેશીડા વિધવિધ વેશે

-નામ નહિ જાણું કે ગામ-

હાથે જૂતાં લૈ મુછાળા

ઊતરત ભરતા મને સલામ,

બોલત ‘હે અલ્લા! હે રામ!’

બેસત ઉરની વાત વદી-

હું સાંભળતી જાત નદી.

મારી જળ-લેર્યોને છોગે

ઝળહળ ટુકડા તેજ તણા,

છલક છોક પરીઓ-શા નાચત

તાળી દૈ દૈ હસત ઘણા,

ત્યાં તો પાણી ડૉળી નાખત

બચળાં બુચલી કૂતરીનાં;

પણ મારે છે આળસ ક્યાં?

જલદી પાછી આછરતી-

હું જો નાની હોત નદી.

મારે તળિયે લપાઈ બેઠા

દુત્તા ને દોંગા ચૂપચાપ

ગામ તણા ઉતાર સઘળા

ગોબર કચરો કાદવ કાંપ.

સામાસામી દેતા ટાંપ

છાનગપતિયાં મુજથી બી-

શું બકતા હું જાણું નદી!

મારો એક ટપુકડો ટુકડો

લોકોને બસ છે દેખાય,

બાકીની હું ક્યાં ખોવાણી!

મુજને પણ અચરજ બૌ થાય;

બડી રમૂજની બાબત, ભાઈ!

ખોળી કાઢોને જલદી!

હું તો ભેદભરેલ નદી.

કાંઠે હરિયાળા આરા,

તરબૂચ ચીભડાં ફૂલવાડી;

ઓલે કાંઠે વેકુર સળગે,

બાવળ ઝાડી કાંટાળીઃ

દિવસે આવન-જાવન રૂડાં,

રાત પડે હું બીકાળી.

સૂઈ જા સોપટ, બેન ભદી!

રાતે હું ભેંકાર નદી.

(1944)

સ્રોત

  • પુસ્તક : સોના નાવડી (પૃષ્ઠ ક્રમાંક 243)
  • સંપાદક : જયંત મેઘાણી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1997