nache ras bhino albelo - Geet | RekhtaGujarati

નાચે રસ ભીનો અલબેલો

nache ras bhino albelo

કાન્ત કાન્ત
નાચે રસ ભીનો અલબેલો
કાન્ત

નાચે રસ ભીનો અલબેલો આવી રંગમાં રે,

શ્યામા સંગમાં રે નાચે. ધ્રુવ.

વીજળી વ્યોમ છટાથી તરે છે.

ઘોર ઘટા ઘન શોર કરે છે

જોબન જોર ભરે છે એના અંગમાં રે, શ્યામા સંગમાં રેo

હર્ષ પ્રિયા નિરખી પિયુ પામે,

લોચન લોચન માંહિ વિરામે,

પ્રેમ પરસ્પર જામે પૂર્ણ પ્રસંગમાં રે, શ્યામા સંગમાં રેo

રાગ પ્રસન્ન મનોહર ઘેરો,

હારક નાજુક ઢેલડી કેરો,

કરતો વિવશ નમેરો છેક અનંગમાં રે, શ્યામા સંગમાં રેo

હૃષ્ટ ઉઠે ચરણો પ્રિય પાસે,

મોહ કરે મધુરૂં મુખ હાસે,

ધસતો ભાસે વીર કુશલ રતિ જંગમાં રે, શ્યામા સંગમાં રેo

પિચ્છ પ્રદેશ જલે છવરાયો

ગર્જનનું કરી પાન ધરાયો,

ચાલી હવે. પ્રિય પાસ ભરાયા સંગમાં રે, શ્યામા સંગમાં રેo

સ્રોત

  • પુસ્તક : સંગીત મંજરી (પૃષ્ઠ ક્રમાંક 47)
  • સંપાદક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • પ્રકાશક : હિમ્મતલાલ ગણેશજી અંજારિયા
  • વર્ષ : 1920
  • આવૃત્તિ : 2