na maun - Geet | RekhtaGujarati

સાંકડો થઈ માઉં તો છું પણ આમ હું કદી આટલામાં ના માઉં

અસલી મારું રૂપ એવું કે ધરતીના માટલામાં ના માઉં

હાથ અને પગ સાવ નોધારા ભટક્યા કરે સાવ નોધારું શીશ

ધાવણું બાળક માય, મને તો સાંકડાં પડે ઊપણાં અને ઈસ

ચાર દિશાના ચાર પાયા હો એવડા નાના ખાટલામાં ના માઉં

નીતર્યાં નર્યાં નીરમાં મને ઝીલતું તારી આંખનું સરોવર

જોઉં તો લાગે વચમાં રાતું ખીલતું કમળ હોઉં હું બરોબર

આમ તો હું છું એવડો કે બ્રહ્માંડ આખાના ચાટલામાં ના માઉં

(રર-૦૪-'૯ર)

સ્રોત

  • પુસ્તક : સૂરજનું સત (પૃષ્ઠ ક્રમાંક 80)
  • સર્જક : જગદીશ વ્યાસ
  • પ્રકાશક : કૃતિ પ્રકાશન
  • વર્ષ : 2006