mungi vyaktinu geet - Geet | RekhtaGujarati

મૂંગી વ્યક્તિનું ગીત

mungi vyaktinu geet

ભૂમા વશી ભૂમા વશી
મૂંગી વ્યક્તિનું ગીત
ભૂમા વશી

અમે મૂંગા ઝરણાની જેમ વહેશું,

કે શ્યામ હવે, મૂંગા મૂંગા જ બધું કહેશું...

સન્નાટે શબ્દો આ પ્રગટે તો કાગળ પર કૂંપળ ફૂટી છે એમ ધારશું...

અક્ષરને ટેરવે ઉગાડીને ફૂલ અહીં ઊગ્યું છે એમ હવે માનશું...

અમે લાગણીથી વ્હેતા તો રહેશું...

કે શ્યામ હવે મૂંગા મૂંગા જ બધું કહેશું...

કહેવાનું આંખોથી કહી દઈને મૂંગા આ હોઠોથી સ્મિત હવે દોરશું...

કરમાં કલમ લઈ શબ્દોથી કાગળ પર ધીરે ધીરે રે અમે મ્હોરશું...

અમે મૌનને તરાપે રે તરશું,

કે શ્યામ હવે મૂંગા મૂંગા જ બધું કહેશું...

સળવળતી શક્તિથી કોશેટો ભેદીને ખુલ્લા આકાશમાંય ઊડશું...

સન્નાટે ખુશીઓની કૂંપળ શોધીને પછી હળવેથી ઉપવનમાં ઊગશું...

અમે નિરવતામાંયે ઝળહળશું...

કે શ્યામ હવે મૂંગા મૂંગા જ બધું કહેશું...

સ્રોત

  • પુસ્તક : શબ્દસૃષ્ટિ : જુલાઈ : ૨૦૨૬ (પૃષ્ઠ ક્રમાંક 14)
  • સંપાદક : ભાગ્યેશ જ્હા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી