wishrambhwritt! - Geet | RekhtaGujarati

વિશ્રમ્ભવૃત્ત!

wishrambhwritt!

વીરુ પુરોહિત વીરુ પુરોહિત
વિશ્રમ્ભવૃત્ત!
વીરુ પુરોહિત

ફરી વળી ખૂણેખૂણો, ક્યાં ખોવાયું? ક્યાં મૂક્યું?

સહિયર! મારી નાસિકાનું આભૂષણ ક્યાં તૂટ્યું?

હું અલબેલી કાલ સવારે નદીએ ન્હાવા ગઈ’તી,

હો કોયલ-ટહુકે વનરાજીના ઝાડ-પાન શી થઈ’તી,

હું નંદી પર ઝૂકી’તી

ઘંટારવ કરવા કૂદી’તી

પકડી વડવાઈ ઝૂલી’તી

નમન-અચમન, કુંક વેળા દર્પણમાં મરકી’તી;

હોઠ ઉપર મોતી જોયુંતોં ઝૂક્યું!

સહિયર! મારી નાસિકાનું આભૂષણ ક્યાં તૂટ્યું?

હતી સાંજના મગ્ન, પિયુએ આંખ દબાવી દીધી,

મેં પણ ભળતાં નામ કહી, પણ લંબાવી લીધી.

હું અનરાધારે વરસી’તી

મૂશળધારે પલળી’તી

વમળે નૌકા શી તરતી’તી

પલક ઝપકતાં પરોઢ વેળા પાંપણમાં સરકી’તી;

અડવા મુખે પ્રભાત ઊગ્યું!

સહિયર મારી નાસિકાનું આભૂષણ ક્યાં તૂટ્યું?

ફરી વળી ખૂણેખૂણો, ક્યાં ખોવાયું ક્યાં મૂક્યું?

સહિયર! મારી નાસિકાનું આભૂષણ ક્યાં તૂટ્યું?

સ્રોત

  • પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સર્જક : વીરુ પુરોહિત
  • વર્ષ : 2000