mugdhawbodh! - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મુગ્ધાવબોધ!

mugdhawbodh!

વીરુ પુરોહિત વીરુ પુરોહિત
મુગ્ધાવબોધ!
વીરુ પુરોહિત

મેં તો અમથું

હા, હા, સાવ અમથું આભલામાં જોયું,

તો ખિસકોલી આંખોમાં કૂદી ગઈ, બોલ!

મેં તો ગમતીલું

હા, હા, એક ગમતીલું નામ જરા લીધું,

તો કમખેથી કૂંજડિયું ઊડી ગઈ, બોલ!

મારા પાડોશીની મેના બોલી કે એક ભમરો વીંધાયો પ્રભાતમાં,

હું તો સૂતી’તી, સ્હેજ ફરી પડખું, તો નનકું પતંગિયું ભીંસાયું બીછાતમાં,

મેં તો મસ્તીમાં

હા, હા, સાવ મસ્તીમાં વાળ મેલ્યા છુટ્ટા;

તો સાયબાની આંગળિયું છૂટી ગઈ, બોલ!

તો કમખેથી કૂંજડિયું ઊડી ગઈ, બોલ!

તો ખિસકોલી આંખોમાં કૂદી ગઈ, બોલ!

માખણ ઊતારતાં હથેળીમાં ગોળગોળ પીડે બને છે તારો ચહેરો,

ગોળીમાં ઝૂકી સ્હેજ ડોકિયું કરું તો ઝૂકે ચંપાની ડાળનો ઠઠેરો,

મેં તો દોડીને

હા, હા, દોટ મૂકીને કમાડ દીધાં વાસી;

તો ઘરવખરી ફળિયામાં પૂગી ગઈ, બોલ!

તો કમખેથી કૂંજડિયું ઊડી ગઈ, બોલ!

તો ખિસકોલી આંખોમાં કૂજી ગઈ, બોલ!

સ્રોત

  • પુસ્તક : અગિયારમી દિશા (પૃષ્ઠ ક્રમાંક 17)
  • સર્જક : વીરુ પુરોહિત
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 2000