keDinun geet - Geet | RekhtaGujarati

કેડીનું ગીત

keDinun geet

મણિલાલ હ. પટેલ મણિલાલ હ. પટેલ
કેડીનું ગીત
મણિલાલ હ. પટેલ

સૈ હું તો વગડામાં વહી જતી કેડી....

રૂપ મારું વાયરાની લ્હેરખી : હોય જાણે વાંસળીએ કોક ધૂન છેડી

સૈ હું તો આઘા મલકની કેડી...

મારગ મેલીને હું તો ફંટાતી ચાલતી

સીમાડે સીમાડે મસ્તીમાં મ્હાલતી

ડુંગરની કેડ્યે વીંટળાઉ અને ઘાટીલી ટેકરીઓ લ્યે મને તેડી

સૈ હું તો હૈયાં બ્હેલાવતી કેડી...

કેટલાંય ગામોનાં પાદર બોલાવતાં

સુંવાળા રસ્તાઓ શમણામાં આવતા

જાય મારી બલ્લા! જ્યાં પથ્થરમાં કોરેલાં હોય બધાં માઢ અને મેડી

સૈ હું તો ભવભવની કેડી...

(તા. ૧૯-૭-ર૦૦૩ : ‘સહજ’ બંગલો)

સ્રોત

  • પુસ્તક : વિચ્છેદ (ગ્રામચેતનાની કવિતાનો સંચય) (પૃષ્ઠ ક્રમાંક 49)
  • સર્જક : મણિલાલ હ. પટેલ
  • પ્રકાશક : પાર્શ્વ પબ્લિકેશન
  • વર્ષ : 2006