chandanan ajwalan ankhyunman anjyan tyan shamnano phatphat jagyan - Geet | RekhtaGujarati

ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં

chandanan ajwalan ankhyunman anjyan tyan shamnano phatphat jagyan

ભરત ખેની ભરત ખેની
ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં
ભરત ખેની

ચાંદાનાં અજવાળાં આંખ્યુંમાં આંજ્યાં ત્યાં શમણાંઓ ફાટફાટ જાગ્યાં.

ગોરમાની પાસે મેં રાત'દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

ખોવાણી રાત આખી એના અણસારમાં તો

પાંપણ પર ઊગ્યા ઉજાગરા.

ચાખવા ને સૂંઘવામાં એવી તો અટવાણી કે

રહ્યા શ્વાસો કહ્યાગરા.

અષાઢી નેવાંની જેમ ટપક્યા ને અલૂણા અપાહ મારા ભાંગ્યા.

ગોરમાની પાસે મેં રાત'દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

સાતમથી સાત ધાન છાબડીમાં વાવ્યાં

અને હૈયામાં ઊગ્યા જુવારા.

આંગળીઓ પાંચ મારી કંકુમાં ઓળઘોળ,

અદકા ઓરતા કુંવારા.

ગુંજે શરણાઈ મારા મનડા મોઝાર અને જાંગીડા ઢોલ કાંઈ વાગ્યા.

ગોરમાની પાસે મેં રાત'દિ એક કરી કેસરિયા પિયુજીને માગ્યા.

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - સપ્ટેમ્બર-2019 (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન