muchhanun geet - Geet | RekhtaGujarati

મૂછનું ગીત

muchhanun geet

રાધિકા પટેલ રાધિકા પટેલ
મૂછનું ગીત
રાધિકા પટેલ

મૂછો છે કેવી નફ્ફટ;

અંબોડે બાંધેલા જોબનિયાની તો આવીને ખેંચી લે લટ.

મૂછો છે કેવી નફ્ફટ.

કાળીછમ વાડીની વચ્ચોવચ ઊભો છે વડલો બે બાવડાં ફેલાવી;

‘વડવાયે ઝૂલવાને આવી જા' એમ કહી મૂછોને ભરતો જાય ચાવી.

વડલાની નીચે મધમીઠો છે કૂવો તું આવીને પીય લેજે ઝટ;

મૂછો છે કેવી નફ્ફટ...

કાંટાળી બોરડિયે બેઠો'તો મોર, મેં આઘેથી મલકાતો જોયો;

મૂછોના ગોખમાં છતરાયો ચોર, ચણ નાખીને ભરમાવે રોયો.

તમતીખો છે તોર–મને છોલી ગ્યો થોર, મારા ડિલે ચકામાં લાગઠ;

મૂછો છે કેવી નફ્ફટ...

ડાબડૂબ થાય મારી નીંદરમાં મધરાતે, તરસ્યાં રે પંખીની ચાંચ;

મૂઈ રે મેનકા સૂતેલા જળમાં આવીને પાડી દે ખાંચ.

ચાંચમાં જોયું મેં લાખેણું મોતી, ને મૂછોનો તાણ્યો ઘૂંઘટ;

મૂછો છે કેવી નફ્ફટ...

રૂંવાડે રૂંવાડે ઊભી છે ખેતી, કે મૂછોનું ફરતું રે હળ;

મારામાં તરતી રે મૂછોની હોડી, ને દરિયામાં ફૂટે છે જળ.

પાંચે લગામ મારી રાખે છે હાથમાં-મરમર હથેળી બળકટ;

મૂછો છે કેવી નફ્ફટ...

સ્રોત

  • પુસ્તક : કવિ તરફથી મળેલી કૃતિ