sonchampo - Geet | RekhtaGujarati

રંકની વાડીએ મોર્યો સોન રે ચંપાનો છોડઃ

અમને ના આવડ્યાં જતન જી!

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં

નંદનવન હોય રે વતન જી?

વજ્જરની છાતી કરીએ, તોય રે દુલારા મારા!

ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી

કૂવાને થાળે જેવા કાથી કેરા દોરડાના

થોડે થોડે લાગે રે ઘસારાજી!

દેશ રે ચડે ને જેવો અંધારે ભમતો પન્થી

ગામની ભાગોળે સારી રાત જી:

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ

બાવરી બનેલી તારી માત જી!

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં

રે કાંઠે ઝૂરે મા ને તાત જી!

સામે રે કાંઠે તારા દૈવી બગીચા બેટા!

વચ્ચે આડા આંસુના અખાત જી!

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008