kanii vaat kaho - Geet | RekhtaGujarati

કંઈ વાત કહો

kanii vaat kaho

સુન્દરમ્ સુન્દરમ્
કંઈ વાત કહો
સુન્દરમ્

તમારા કિયા દેશ દરવેશ?

હો અવધૂત, દિયો દિયો કો અણસુણ્યો આદેશ

દુનિયાના નવે ખંડથી

દશમ ખંડ શું ન્યારો?

જગ કેરા ખટરસથી શું

સપ્તમ રસ કો પ્યારો?

તમોએ પીધ પરમ રસ ખરો?

અરે કંઈ વાત કહો, દરવેશ!

અહીં અમારા અલકમલકથી

અધિક કમલ શું કોક?

રત્નજડિત અમ નગરચૉકથી

ચડિયાતો કો ચૉક?

તમોએ સગી નજરથી દીઠ?

અરે, કંઈ વાત કહો, દરવેશ!

અહીં અમારા હિમશૃંગોથી

ઉન્નત શું કદી શૃંગ?

અમ રંગભવનથી મધુરો

બાજે ક્યહીં મૃદંગ?

તમોએ સુણ્યો શું કાનોકાન?

અરે, કંઈ વાત કહો, દરવેશ!

અમ ધખ ધખ અંતરથી શું

અધિક રહી કો આગ?

મૃત્યુની ભોમ અરથ કો

અમરતિયો સોહાગ?

મળ્યો કો દાતા હાથોહાથ?

અરે, કંઈ વાત કહો, દરવેશ!

સ્રોત

  • પુસ્તક : કવિતા : ફેબ્રુઆરી, ૧૯૭૦ (પૃષ્ઠ ક્રમાંક 1)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ