Mrutyu Visheni Ochchhavni Parikalpana - Geet | RekhtaGujarati

મૃત્યુ વિશેની ઓચ્છવની પરિકલ્પના

Mrutyu Visheni Ochchhavni Parikalpana

ચિનુ મોદી ચિનુ મોદી
મૃત્યુ વિશેની ઓચ્છવની પરિકલ્પના
ચિનુ મોદી

કડડડ તૂટ્યો સળિયો રે

ઓચ્છવજી મારા,

સાત માળના પવન–મ્હેલમાં

પેઠો પેઠો બળિયો રે;

ઓચ્છવજી મારા.

દાંડી તૂટી, ચશ્માં ફૂટ્યાં, દૃશ્ય બધાં લૂંટાણાં; રે–

ઝરણ ઝાડમાં, કદી પ્હાડમાં, દરિયાઓ છૂપાણાં, રે–

એક હિંડોળો હાલકડોલક

સૂનકારમાં ભળિયો રે,

ઓચ્છવજી મારા.

ઉભરો આવ્યો શાંત થયો ને ફીણ ફરીથી પાણી; રે-

ઝટપટ જીભે ચડતી વાણી, આજ રિસાયલ રાણી; રે-

અડાબીડ મનમાં, મૂંઝવણને

મારગ ક્યાંથી મળિયો રે?

ઓચ્છવજી મારા.

સ્રોત

  • પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981 (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ