મોસાળમાં ગાવાનું ગીત પૃથ્વી રૂપી છાબ વિષે
mosal ma gava nu geet prithvi rupi chhab vishe
દલપતરામ
Dalpatram
મોસાળમાં ગાવાનું ગીત પૃથ્વી રૂપી છાબ વિષે
mosal ma gava nu geet prithvi rupi chhab vishe
દલપતરામ
Dalpatram
દલપતરામ
Dalpatram
પૃથ્વી રૂપી છે છાબડી, ભરિયાં પાનને ફૂલ;
સર્વે ધાતુવડે સજી, મુખથી થાય ન મૂલ.
રાય છબીલી રે છાબ છે.
જોત જવાહીરની ઝગમગે, અગણિત વિધિના આકાર;
ચૈતનમય ચિત્રો ચીતરાયાં, પશુ પંખી નરનાર. રાય...
હોય કટોરા રે નીરના, એવા સાગર અનેક;
મેવા મન માન્યા માંહી છે, છબિયે હદ વાળી છેક, રાય...
સાળુ શેલાં ને સાડિયો, સરસ દુશાલા સહિત;
વસ્ત્રો વિધવિધ વર્ણનાં, પેખી ઉપજે છે પ્રીત, રાય...
ગુણમય ગુચ્છ ગુલાબના, ચંપા ચંબેલી જાય;
મનહર ડમરો ને મોગરો, ગણતાં ગણી ન શકાય, રાય...
જુગતિ જોતાં જન જાતને, ચિતમાં ઉપજે વિચાર;
કારીગર એનો કોણ છે, ડહાપણનો ભંડાર. રાય...
હાથી ઘોડા ને હંસ છે, મેના પોપટ ને મોર;
છબિયો મૂકી છે છાબમાં, ચાતક કોયલ ચકોર, રાય...
જે જે વસ્તુઓ જાણિયે, તે છે તેમાં તમામ;
ધ્યાન ધરે એના ઈશનું, દીલમાં દલપતરામ, રાય...
સ્રોત
- પુસ્તક : ચૂંટેલી કવિતા : દલપતરામ (પૃષ્ઠ ક્રમાંક 149)
- સંપાદક : ચિમનલાલ ત્રિવેદી
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર
- વર્ષ : 2002
