tamo to varasyaa - Geet | RekhtaGujarati

તમો તો વરસ્યા

tamo to varasyaa

પીયૂષ પંડ્યા 'જ્યોતિ' પીયૂષ પંડ્યા 'જ્યોતિ'
તમો તો વરસ્યા
પીયૂષ પંડ્યા 'જ્યોતિ'

તમે મંનભરી મેઘ બની વરસ્યા,

રે! તોય અમે તરસ્યા

તે તરસ્યા ને તરસ્યા.

તમે મોરલાના થનગનતા રંગોને

આંગણે ઉગાડ્યા

અને નજરુથી ભીંજવી રમાડ્યા,

રે! તોય અમે પરસ્યા

ના પરસ્યા, ના પરસ્યા!

તમે મહેકના ફુવારે ધરા-અંબર ભર્યા

ને પછી ફૂલ બની મલક્યા,

રે! તોય અમે તૃષ્ણાના સળગ્યા

તે સળગ્યા ને સળગ્યા.

તમે બાર મેઘ ખાંગા થઈ વરસ્યા,

રે! તોય અમે સહરાની ઝંખાથી

તરસ્યા તે તરસ્યા ને તરસ્યા.

સ્રોત

  • પુસ્તક : કસક (પૃષ્ઠ ક્રમાંક 27)
  • સર્જક : પીયૂષ પંડ્યા 'જ્યોતિ'
  • પ્રકાશક : પોતે
  • વર્ષ : 1980