hamchi - Geet | RekhtaGujarati

અમે રમતાં ગાર્ય ગોરમટી રે -

હાં રે બઈ હમચી લ્યો.

આખા ડિલે ઊમટી રે હાં રે...

આડા અવળા ચીતર્યા મોર,

નાચે ઓણ ને ટહુકે પોર

ઢેલ નજરની ઢળતી રે હાં રે બઈ...

પાલવ અડ્યે પલળતી રે હાં રે બઈ...

ભીની ગાર્યે પગલી પા પા

એના વાગ્યા હૈયે થાપા,

આખી શેરી રમતી રે હાં રે બઈ...

ઉંબરે ડેલી ઊમટી રે હાં રે બઈ...

વધી ગાર્યનું થાપ્યું છાણું.

બાકી પૂર્યું કોઠી સાણું.

ડાંખળે દીધી ચીમટી રે હાં રે બઈ...

આખા આયખે ઊમટી રે હાં રે બઈ...

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 418)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007