kanuDane bandhyo chhe hirna dore - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

kanuDane bandhyo chhe hirna dore

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
કાનુડાને બાંધ્યો છે હીરના દોરે
હરીન્દ્ર દવે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે

બાળુડાને બાંધ્યો છે હીરના દોરે

કોમળ અંગ પરે કાપા પડે છે જેવા

આંગળીથી માખણમાં આંક્યા,

નાનકડાં નેણ થકી ઝરમર ઝરે છે જેવાં

ઢળતાં શીકેથી દહીં ઢાંક્યાં;

એના હોઠ બે બિડાયા હજી તોરે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

માથેથી મોરપિચ્છ હેઠે સર્યું, ને સરી

હાથેથી મોગરાની માળા,

આંખેથી કાજળ બે ગાલે જઈ બેઠું

કાનકુંવર શું ઓછા હતા કાળા?

બંધ છોડે જશોદાને ક્હો રે

કોઈ જઈને જશોદાને ક્હો રે

કાનુડાને બાંધ્યો છે હીરના દોરે.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 361)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004