morpichchh mokaljo - Geet | RekhtaGujarati

મોરપિચ્છ મોકલજો

morpichchh mokaljo

હરીન્દ્ર દવે હરીન્દ્ર દવે
મોરપિચ્છ મોકલજો
હરીન્દ્ર દવે

મથુરામાં સાંભળ્યું કે ચાંદની ખીલી છે

શ્યામ, વૃંદાવન રોજની અમાસ,

આજ હવે ધૂળ માથે ચડાવીએ

કે કાલ જ્યાં રમ્યાં’તાં રૂડો રાસ.

ચન્દનના વનમાં એક સાપ ગયો ડંખી

હવે સૌરભનું લેશ ઓસાણ,

શ્યામની સંગાથે બધું સગપણ ગયું કે

હવે કોઈની રહી ઓળખાણ,

કોઈ જરા ફૂલને સૂંઘાડી જુઓ, ક્યારનોય

અટકી ગયો છે મારો શ્વાસ.

ગમતી ગલીઓમાં હવે સળ ના સૂઝે

વાગે રમતી સાહેલીઓનાં ઝાંઝર,

આજ હવે છૂટાં તરણાંય નથી હાથવગાં

એકઠાં કરી જે બાંધ્યું ઘર,

ઉદ્ધવની સાથે એક મોરપિચ્છ મોકલજો

બીજી કોઈ કરું આશ.

સ્રોત

  • પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 114)
  • સંપાદક : સુરેશ દલાલ
  • પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
  • વર્ષ : 1984
  • આવૃત્તિ : બીજી આવૃત્તિ