sharat - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પાતળી કેડી કેરકાંટાળી

અંટેવાળે આવતાં એખણ એરુ,

સાવજ કેરી ખાલની મને આલ મજાની મોજડી

એને હોંશથી રે કઈ પ્હેરું.

ગોફણના એક ઘાવથી ઉતાર

નભનો તેજલ તારો,

ભાલની મારી બિંદીએ મેલી

અંજવાળું જનમારો,

ઝરણાનાં ઝાંઝરની તાલે રમતાં રે'તાં

ચડવો મારે એક અવિચલ મેરું.

ઊગતા પરભાતનો રાતો-

રંગ ને ધૂમર ભૂરું

એકબીજાને તાંતણે વણી આણ

પ્હોળે પટ પૂરું:

આટલું મારું વેણ રુડી જે રીતથી રાખે

તે મારા આયખાનો ભડ ભેરુ:

આટલી મારી પત રાખે તે પર

ઓવારી જાઉં રે જીવન, પારવનું વ્હાલ વેરું.

સ્રોત

  • પુસ્તક : બૃહદ ગુજરાતી કાવ્યપરિચય - 1 (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : મોહનભાઈ પટેલ, ચન્દ્રકાન્ત શેઠ
  • પ્રકાશક : ગૂજરાત વિદ્યાપીઠ
  • વર્ષ : 1973