મોગરાની કળી
Mogra Ni Kali
રમેશ પારેખ
Ramesh Parekh

મોગરાની કળી
મને બગીચામાં મળી...
એને બોલાવી તો એણે ઝાલી મારી આંગળી
મારી સામે ડળક ડળક હસી પડી
હથેળીમાં ચળક ચળક લચી પડી
ભોળી ભોળી ગંધ એની સાંભળી મેં સાંભળી
મારાં ટેરવાંને ચૂમી લીધાં એણે
આખા બગીચાના ડંખ દીધા એણે
ઊતરડી લીધી મારી આખે આખી કાંચળી
ભાંગ્યા તૂટ્યા શ્વાસો મારા ખરી પડ્યા
વાંકાંચૂંકાં સપનાંઓ ખરી પડ્યાં
ખરખર ખરી પડી આંખો મારી આંધળી
મારાં પોપચાંને કાંઠે દીવો ઊગ્યો
પછી રેલંરેલા લોહી સુધી પૂગ્યો
મને મારી વાણી મળી પાણીથીયે પાતળી



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 68)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ