mobhaano rang - Geet | RekhtaGujarati

મોભાનો રંગ

mobhaano rang

બાબુ નાયક બાબુ નાયક
મોભાનો રંગ
બાબુ નાયક

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે;

જીવતરના જંતરનો તંતુ હાય! અસૂરો ભાખ્યો રે.

પડ્યા પટારે પાનેતરના

સળ હજુ ના ભાંગ્યા રે;

કેસરિયાળાં કાંડાં અમને

અડવાં અડવાં લાગ્યાં રે.

બોરડિયાં આંસુડાં કેવાં, દલડે દરિયો દાખ્યો રે;

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.

મેંદલડીની ભાત્યુંમાં હું

અધરાઈ અટવાઈ રે;

મોડબંધણાં છૂટ્યાં આજે

વેલડ શું વીંટળાઈ રે?

હડફ કરીને ઊતરી હેઠી, મોભાનો રંગ રાખ્યો રે;

માંડ ચડી મોભારે મેં તો ગળે ગાળિયો નાખ્યો રે.

સ્રોત

  • પુસ્તક : ઝાકળભીનો સૂરજ (પૃષ્ઠ ક્રમાંક 56)
  • સર્જક : બાબુ નાયક
  • પ્રકાશક : ડિવાઇન પબ્લિકેશન્સ
  • વર્ષ : 2023