warsho pachhi premikane maltan - Geet | RekhtaGujarati

વર્ષો પછી પ્રેમિકાને મળતાં...

warsho pachhi premikane maltan

અનિલ ચાવડા અનિલ ચાવડા
વર્ષો પછી પ્રેમિકાને મળતાં...
અનિલ ચાવડા

ઓળખ્યોને કોણ છું?

પાંપણ પર ઝૂલતો’તો, તમને કબૂલતો’તો, આભ જેમ ખૂલતો’તો હું

ઓળખ્યોને કોણ છું?

ચોપડીનાં પાનાંમાં સુક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું’તું કોણ?

તમને વણબોલાવ્યે મારી શેરીમાં બોલાવી લાવ્યું’તું કોણ?

કળી જેમ ફૂટતો’તો, તમને જે ઘૂંટતો’તો, તોય સ્હેજ ખૂટતો’તો હું

ઓળખ્યોને કોણ છું?

લાગતો’તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો’તો થઈને વરસાદ

સુક્કાભટ ખેતરમાં ત્યાર બાદ ખીલ્યો’તો મોલ ખૂબ આવ્યું કંઈ યાદ?

યાદ ન’તો રહેતો જે આંસુ થઈ વહેતો જે તોય કંઈક કહેતો જે, હું.

ઓળખ્યોને કોણ છું?

સ્રોત

  • પુસ્તક : નવનીત સમર્પણ - ઑક્ટોબર 2016 (પૃષ્ઠ ક્રમાંક 126)
  • સંપાદક : દીપક દોશી
  • પ્રકાશક : ભારતીય વિદ્યા ભવન