piyu maro - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

પિયુ મારો

piyu maro

ભાસ્કર વોરા ભાસ્કર વોરા
પિયુ મારો
ભાસ્કર વોરા

પિયુ મારો લીલો લજામણીનો છોડ

અડકું અડકું ત્યાં તો અણિયાળી આંખ્યુંમાં

શરમુંનાં ફૂટે પરોઢ

વ્હાલપનાં વેણ બે'ક બોલું બોલું ત્યાં તો

અવળું રે મુખ કરી લેતો,

ઘેનના રે ઘુમ્મટમાં ઘેરી વળું ત્યાં તો

નહીં રે કહેવાનું કહી દેતો,

એને રે જોઈ જોઈ કૂણા કાળજડામાં

જાગે કેસરિયા કોડ

લીલીછમ લાગણીની વેલ જરા ધીરેથી

ઊંચી કરીને એને વીંટું

સાગ તણા સોટા પર ઉઘડતું ફૂલ એવું

ફૂલ હજી ક્યાંય નથી દીઠું

એને રે જોઈ જોઈ બાંધ્યો મેં માહ્યરામાં

મનના મિલનનો મોડ

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 15)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008