ne sayabo aawyo nani! - Geet | RekhtaGujarati

ને સાયબો આવ્યો નંઈ!

ne sayabo aawyo nani!

વિનોદ જોશી વિનોદ જોશી
ને સાયબો આવ્યો નંઈ!
વિનોદ જોશી

દિ’ આખ્ખો સાવરણે ફળિયું વાળ્યું, સખી!

સળિયું ભાંગીને રાત કાઢી,

ને સાયબો આવ્યો નંઈ!

સાથિયો પૂરું તો એને ઉંબર લઈ જાય

અને તોરણ બાંધું તો એને ટોડલા,

કાજળ આંજું તો થાય અંધારાં ઘોર

અને વેણી ગૂંથું તો પડે ફોડલાં;

દિ' આખ્ખો પોપચામાં શમણું પાળ્યું, સખી!

પાંપણ લૂછીને રાત કાઢી,

ને સાયબો આવ્યો નંઈ!

ઓશીકે ઊતરીને આળોટી જાય

મારાં સૂનાં પારેવડાંની જોડલી,

નીંદરનાં વ્હેણ સાવ કોરાંધાકોર

તરે ઓશિયાળાં આંસુની હોડલી;

દિ' આખ્ખો ઢોલિયામાં હૈયું ઢાળ્યું, સખી!

પાંગત છોડીને રાત કાઢી,

ને સાયબો આવ્યો નંઈ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતા ચયન 1993 (પૃષ્ઠ ક્રમાંક 55)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1995