Chhelakdi - Geet | RekhtaGujarati

નાનકડી શેરીને છેલકડી પહેરાવો એવી ડેલી એક લાગશે

અણિયાળી મોજડીમાં ચમક્યો સૂરજ :

એમાં પાલવ સફાળો મારો જાગશે.

લ્હેરિયાતા સાફાનું છોગું છકેલ

મારી ભીની ભીની પાંપણમાં મરકે,

પોતીકાં થડકારા ભૂલીને દલડું તો

રોઝડીના ડાબલા શું ફરકે :

ગરકેલો મોર મારો પીંછાંના માંડવડે

એકાદો ટહુકો તો માગશે!

આંખોમાં આમતેમ પારેવાં ઊડે

ને કમખામાં દીવડાની જ્યોત,

હુક્કાની જેમ મને પી જજો વા’લમા

કે હું કરું મારી ગોતાગોત :

તારા આવતાંની સાથે અહીં કોણે જાણ્યું કે

મારું આયખું પરાયું થઈ ભાગશે!

સ્રોત

  • પુસ્તક : ધારો કે એક સાંજ આપણે મળ્યા... (પૃષ્ઠ ક્રમાંક 121)
  • સર્જક : જગદીશ જોષી
  • પ્રકાશક : ઇમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ., મુંબઈ
  • વર્ષ : 1998
  • આવૃત્તિ : 1