men taaj joyo - Geet | RekhtaGujarati

મેં તાજ જોયો

men taaj joyo

ઉમાશંકર જોશી ઉમાશંકર જોશી
મેં તાજ જોયો
ઉમાશંકર જોશી

મેં તાજ જોયો.

સ્નેહનો શો શ્હેનશાહી સાજ જોયો!

કલ્પનામાં હૂબહૂ દીઠો હતો,

કાલ સુધી કવિતા મહીં પ્રત્યક્ષ શો પ્રીછ્યો હતો,

નજરોનજર અસ્પષ્ટ આછા સ્વપ્ન-શો તે આજ જોયો.

મેં તાજ જોયો.

ચાંદનીના પુંજથી દ્યુતિમય ઘડી પ્રતિમા સમો,

પૃથ્વીહૃદય પુષ્પિત થતાં ઊઘડેલ શુચિ કલિકા સમો,

આભધરતી કેરી છીપે ઠરી સ્મિતભર અશ્રુની કણિકા સમો,

માનવીકૃતિઓ તણો સિરતાજ જોયો.

મેં તાજ જોયો.

સ્નેહના સૌન્દર્ય સામે કાળને મોહતાજ જોયો,

એકાન્ત યમુનાતટે યમદેવનો સુકુમાર સૌમ્ય લિહાજ જોયો.

મેં તાજ જોયો.

સ્રોત

  • પુસ્તક : ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 87)
  • સંપાદક : નિરંજન ભગત, ચિમનલાલ ત્રિવેદી, ભોળાભાઈ પટેલ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2012
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ