મેળો આપો તો
melo aapo to
હરીન્દ્ર દવે
Harindra Dave
હરીન્દ્ર દવે
Harindra Dave
મેળો આપો તો એક માનવીની સંગ
અને એકલતા આપો તો ટોળે,
જીવતર આપો તો એવું આપો કે
શ્વાસ એના કેફના કસુંબાને ઘોળે!
તરતાં ના આવડે લગાર અને તગતગતા
તડકાનો દરિયો લલકારે,
થાકેલી આંખો અંજાતી નથી, તોય
થોડાં મૃગજળ ચળકે છે મઝધારે
ટીપેથી પાય તો ધરાઉં, સાવ તરસ્યો હું
રહી ગયો છલકાતી છોળે.
સૂની બપ્પોરની આ એકલતા એકલતા
એકલતા બોલી અકળાવો
ઊગતી સવારના આ ડહોળાતા રંગમાં
જો થોડી આ સાંજ ઘૂંટી લાવો,
કોઈએ ના હોઠે અડકાડ્યું એ અમરતને
કોણ હવે આકાશે ઢોળે?
સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 142)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
