meindino rang - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેંદીનો રંગ

meindino rang

અવિનાશ વ્યાસ અવિનાશ વ્યાસ
મેંદીનો રંગ
અવિનાશ વ્યાસ

પાંદડું લીલું ને રંગ રાતો, મારી મેંદીનો રંગ મદમાતો.

ભૂલી રે પડી હું તો રંગના બજારમાં

લાગ્યો મને રંગ કેરો છાંટો પાંદડું.

રેશમની કાયા તારી જાણે લજામણી,

લટકતી લટ તો જાણે ભૂલ રે ભુલામણી.

રૂપને ઘેરીને બેઠો ઘૂંઘટનો છેડલો

વાયરાની લ્હેરમાં લ્હેરાતો પાંદડું.

રંગરસિયા, જરા આટલેથી અટકો,

દિલને લોભાવે તારાં લોચનનો લટકો;

વારી વારી થાકી તોયે છેલ રે છબીલા

તું તો અણજાણે આંખમાં છુપાતો. પાંદડું.

છૂપી છૂપી કોણે મારું દિલડું દઝાડ્યું?

છૂપી છૂપી કોણે મને ઘેલું રે લગાડ્યું?

ક્યાં રે છુપાવું મારા દાઝેલા દિલને?

હાય! કાળજીની કોરે વાગ્યો કાંટો. પાંદડું

સ્રોત

  • પુસ્તક : અવિનાશી અવિનાશ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : અવિનાશ વ્યાસ
  • સંપાદક : અંકિત ત્રિવેદી
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2006