mehula - Geet | RekhtaGujarati

મેહુલા

mehula

સ્વપ્નસ્થ સ્વપ્નસ્થ

ઝંખે છે ભોમ પાણી પાણી મેહુલા!

ઝંખે છે ભોમ પાણી પાણી;

તુંને શું આગ અજાણી? મેહુલા!

મેલાં આકાશ, જાણે મૃત્યુની ખીણ ખડી!

સૂરજની ચેહ ત્યાં ચેતાણી- મેહુલા!

હજીયે ખડા ખેંચાણી? મેહુલા!

રૂંધ્યા છે વાયરા ને રૂંધી રતૂમણી,

મેલી દિશાઉં ધૂંધવાણી… મેહુલા!

તોયે ના આરજૂ કળાણી? મેહુલા!

ઉજ્જડ ટીંબાની વાવ ખાલી ભેંકાર પડી,

સીમે શોકસોડ તાણી મેહુલા!

તોયે પ્યાસ પરખાણી? મેહુલા!

ભાંભરતાં ભેંસ ગાય, પંખી ગુપચૂપ જોય,

ચાંચો ઉઘાડી… બિડાણી… મેહુલા!

જાગી જિંદગીની વાણી? મેહુલા!

મારી માનવીની આંખ જોતી ક્ષિતિજે કરાળ,

તારી ના એક રે એંધાણી, મેહુલા!

તારી કાં એક ના એંધાણી? મેહુલા!

સ્રોત

  • પુસ્તક : આપણો કવિતા વૈભવ (પૃષ્ઠ ક્રમાંક 289)
  • સંપાદક : મનસુખલાલ ઝવેરી
  • પ્રકાશક : અશોક પ્રકાશન
  • વર્ષ : 1974