megh-sangma - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

મેઘ-સંગમાં

megh-sangma

તનસુખ ભટ્ટ તનસુખ ભટ્ટ
મેઘ-સંગમાં
તનસુખ ભટ્ટ

પુષ્પથી ગન્ધ સમ, દીપથી તેજ સમ,

સૂર સમ વા સતારીથી સરતા

દૂરના દેશથી ભીનલા અનિલ

મધુર સુરભિ તણાં ઝરણ ઝરતાં.

સૂર્ય છાયો ઘને, શ્યામ છાયા વને;

લીલુડાં ખેતરો મૌન મરકે,

સ્તબ્ધતા છાવરે આભ ને અવનીને

ચિત્તમાં વાયુનાં ઘેન ફરકે.

શ્યામ અમ્બર મહીં શુક સૂડા લીલુડા

ઝુંડ રચતા ઊડે સ્વૈર પાંખે.

પલ્વલે ઊડતી ધવલ બગ-આવલી

વૃષ્ટિ આમંત્રતી મત્ત આંખે.

દૂરની વૃષ્ટિનાં ઇષ્ટ સૂચન થકી

ચિત્ત ઉત્કંઠ બની બ્હાર જાતું,

મેઘ, વર્ષા, તડિત, કાટકા સંગમાં

રંગમાં આવી અન્ત નહાતું.

(અંક ૨૨૩)

સ્રોત

  • પુસ્તક : કુમાર : પ્રથમ વીસીનાં કાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 96)
  • પ્રકાશક : કુમાર કાર્યાલય લિમિટેડ
  • વર્ષ : 1991