મીટમાં મને
Meet Mane
હસિત બૂચ
Hasit Buch

મીટમાં મને ઓળખા જતું કોઈ જો એવું મળતું;
પાંખડી મારી ખૂલતી બધી, મન મારું મઘમઘતું.
'કેમ છો?'-કહી ઊડતી બધી આંખનો ફેરો ખાલી,
ચડતી અહીં લમણે ઘણી આંગળી ઠાલી ઠાલી :
જાળવી અદબ સહુની, સરે મન મારું ખળખળતું.
રોમરૂંવાડાં ખોતર્યે અરે, થાય તે કોઈ ઝાંખી?
સમજે એ તો સમજે સીધી નરવી નજર નાંખી!
પીંજરાં રહ્યાં ટાંપતાં, રહે મન મારું હરફરતું.
ગઢ નથી કે ચક નથી, ના ભીંત છે અહીં તાણી
આપણે તો બસ, તડકો લીધો - પીધાં પરબપાણી;
વાટ આફુડી ઊઘડે બધે, મન મારું ઝળહળતું.
એમ તો, હુંયે બડભાગી કે કોઈ તો એવું મળતું;
ઓળખી જતું મીટમાં મને, મન મારું મઘમઘતું.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1978 (પૃષ્ઠ ક્રમાંક 163)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ