મીરાં
meeraan
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru
વિજય રાજ્યગુરુ
Vijay Rajyaguru
બચકી બાંધી દીધી -
તેજલ ઘોડે બેસાડીને લઈ જા સીધેસીધી
ગિરિધર! બચકી બાંધી દીધી...
પચરંગી પાંચીકા મેલ્યા, લાલ ચૂંદડી બાંધી!
મેલી ઘેલી ચાદર મેલી, જીવતર મેલ્યું સાંધી!
બચકીમાં દોથો દખ લીધાં, વળી અબળખા લીધી!
ગિરિધર! બચકી બાંધી દીધી...
કાચાં-પાકાં શમણાં મેલ્યાં, લથપથ ઇચ્છા મેલી!
રટણા મેલી, ભ્રમણા મેલી, આંખ્યું ત્યાં તો રેલી!
ખોબે ખોબે મૃગજળ પીધાં, ભવની તરસ્યું પીધી!
ગિરિધર! બચકી બાંધી દીધી...
તેજલ ઘોડે બેસાડીને લઈ જા સીધેસીધી
ગિરિધર! બચકી બાંધી દીધી...
સ્રોત
- પુસ્તક : જાળિયે અજવાળિયું (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : વિજય રાજ્યગુરુ
- પ્રકાશક : રવિ- મંગલ પ્રકાશન, ભાવનગર
- વર્ષ : 2018
