મીરાનું છેલ્લું ગીત
miranun chhellun geet
હરીશ વટાવવાળા
Harish Vatavwala

આખું ઉદેપરિયું રાજ મારા નખમેં સમાય,
દોમદોમ ડુંગરાની એણી કોર કોણે તે લાગણીઓ મૂકી છે ઝૂકતી?
ટહુકેલા મોરની આંખોમાં ધોધમાર વેદનાઓ કોરીકચ્ચ ખૂંચતી,
રોમરોમ ઊગ્યા છે પથ્થરિયા પહાડ,
હવે ઝાકળિયું રાજ મારા વખમેં પિવાય;
આખું ઉદેપરિયું રાજ મારા વખમેં સમાય.
ઝેરના કટોરે તને શ્યામ જાણી પી ગઈ, એ મીરાંને અમૃત શું-ઝેર શું?
કોટ કોટ કાંગ રે રાણાની આંણ, પછી તંબુરમાં કોને તે છેડશું?
તંબુરના તારે તો ગિરધર ગોપાળ. શ્યામ ઘૂઘરીના રવમેં છેડાય.
આખું ઉદેપરિયું રાજ મારા નખમેં સમાય.



સ્રોત
- પુસ્તક : સૂરજ ઊગવાની ક્ષણ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : હરીશ વટાવવાળા
- પ્રકાશક : પોતે
- વર્ષ : 1983