mewaD miran chhoDshe - Geet | RekhtaGujarati

મેવાડ મીરાં છોડશે

mewaD miran chhoDshe

રમેશ પારેખ રમેશ પારેખ
મેવાડ મીરાં છોડશે
રમેશ પારેખ

ગઢને હોંકારો તો કાંગરા દેશે

પણ ગઢમાં હોંકારો કોણ દેશે?

રાણાજી, તને ઊંબરે હોંકારો કોણ દેશે?

આઘે આઘેથી એને આવ્યાં છે, કહેણ,

જઈ વ્હાલમ શું નેણ મીરાં જોડશે

હવે તારો મેવાડ મીરાં છોડશે.....

આઠે અકબંધ તારા ભીડ્યા દરવાજાનાં ફૂલ જેમ ખૂલશે કમાડ

વેગીલી સાંઢણીઓ વહી જાશે દૂર મૂકી ધૂળ મહીં ઊડતો મેવાડ

કિનખાબી પ્હેરવેશ કોરે મૂકીને મીરાં

કાળું મલીર એક ઓઢશે.

હવે તારો મેવાડ મીરાં છોડશે......

પાદરેથી રસ્તાઓ પાછા વળશે રે લઈ લેણદેણ તૂટ્યાનું શૂળ

ડમરી જેવું રે સ્હેજ ચડતું દેખાશે પછી મીરાં વીખરાયાની ધૂળ

મીરાં વિનાનું સુખ ઘેરી વળશે ને રાજ,

રૂંવે રૂંવેથી તને તોડશે,

હવે તારો મેવાડ મીરાં છોડશે...

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 288)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004