ha re ame - Geet | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હા રે અમે

ha re ame

અનિલ જોશી અનિલ જોશી
હા રે અમે
અનિલ જોશી

હા રે અમે ફૂલ નહીં રંગના ફુવારા

કે ગંધના ઉતારા

કે વાયરે ઝૂલી પડ્યા : લે બોલ!

હા રે અમે હરણોના પગ્ગની ઉતાવળ

સુગંધની પાછળ

કે રાનનાં ઝૂરી મર્યા : લે બોલ!

હા રે અમે સરનામું વગ્ગરના કાગળ

કે ઊડીએ આગળ

કે હાથમાં ફરતા થયા : લે બોલ!

હા રે અમે મીરાં તે બાઈના ગાયા

પવનમાં વાયા,

કે ફૂંકમાં ખરતા ગયા : લે બોલ!

હા રે અમે ટહુકામાં તરફડતી કોયલ

કબીરની જોયલ

કે ગીતને આંબે બોલે : લે બોલ!

હા રે અમે ફોરમના પડછાયા જોયા

કે ધોધમાર રોયા

કે ચડતા લાંબે ઝોલે : લે બોલ!

હા રે અમે ઊડતી પતંગના ઝોલા

નૈ હાથમાં દોરા

કે આભમાં ગોથે ચડ્યા : લે બોલ!

હા રે અમે સેવ્યા વગ્ગરનાં ઈંડાં

કે લંબગોળ મીંડા

કે રામને ઓથે પડ્યાં : લે બોલ!

હા રે અમે શાયરના કંઠથી છૂટ્યા

કે લયમાં તૂટ્યા

કે ગીતની અધૂરી કડી : લે બોલ!

હા રે અમે છાકટાં છકેલ કોઈ છોરાં

દેખાઈએ ઓરાં

કે વાતમાં દૂરી પડી : લે બોલ!

હા રે અમે ફૂલ નહીં રંગના કુવારા

કે ગંધના ઉતારા

કે વાયરે ઝૂલી પડ્યા : લે બોલ!

સ્રોત

  • પુસ્તક : કદાચ (પૃષ્ઠ ક્રમાંક 26)
  • સર્જક : અનિલ જોશી
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1987